Indic Varta

  • Visitor:6
  • Published on:
  • 3 min read
  • 0
  • 0

હિન્દુ રાષ્ટ્રની રચનાની સંભાવના વિશે આ એક લેખમાં ઉમર ખાલિદ ધારદાર રજૂઆત કરે છે. ભારત જો હિન્દુ રાષ્ટ્ર બને તો લઘુમતી સમુદાયોની મોટાપાયે કત્લેઆમ થઈ જશે એવી મનઘડંતી વાર્તાઓ બનાવીને લિબરલ બુદ્ધિજીવીઓ ભયનું વાતાવરણ પેદા કરી રહ્યા છે. આથી વિરુદ્ધ ખાલિદ ઉમર કહે છે કે, હિન્દુ રાષ્ટ્રની રચનાથી તો દેશમાં હિન્દુ સંસ્કારોને કારણે શાંતિ અને પ્રગતિ થશે.

ભારત હિન્દુ રાષ્ટ્ર બને એમાં ખોટું શું છે?

Read the original English version here:

What is Wrong in India becoming a Hindu Rashtra?

એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, નરેન્દ્ર મોદી અને ભાજપ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગે છે. જો એવું હોય તો મારો પ્રશ્ન એ છે કે, એમાં ખોટું શું છે?

5000 વર્ષ જૂની સભ્યતા ધરાવતા ભારતવર્ષને કોઈ ઓળખાણની જરૂર નથી. આ ધરતી સનાતન હિન્દુત્વનું જન્મસ્થાન છે અને વિશ્વના 95 ટકા હિન્દુ અહીં જ વસે છે. ભારતે પોતાને હિન્દુ રાષ્ટ્ર તરીકે ઓળખાવવામાં જરાય શરમાવું જોઇએ નહીં. વિશ્વમાં ખ્રિસ્તી તથા ઇસ્લામ પછી હિન્દુત્વ ત્રીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે. જોકે, ખ્રિસ્તી અને ઇસ્લામની જેમ હિન્દુ ધર્મ દુનિયાના દેશોમાં વ્યાપકપણે ફેલાયેલો નથી. 97 ટકા હિન્દુઓ ત્રણ દેશોમાં બહુમતીમાં છે – ભારત, મોરેસિયસ અને નેપાળ. તમામ મુખ્ય ધર્મની સરખામણીમાં હિન્દુઓ ભૌગોલિક રીતે સૌથી વધુ કેન્દ્રિત છે, અર્થાત 95 ટકા હિન્દુ વસ્તી ભારતમાં રહે છે, જ્યારે ઇસ્લામના જન્મસ્થાન અરેબિયામાં માત્ર 1.6 ટકા મુસ્લિમો રહે છે.

દુનિયાના 53 દેશોમાં મુસ્લિમોનું પ્રભુત્વ છે (જેમાં 27 દેશમાં તો સત્તાવાર ધર્મ જ ઇસ્લામ છે) તથા 100 કરતાં વધુ દેશોમાં ખ્રિસ્તીઓનું પ્રભુત્વ છે. ઈંગ્લેન્ડ, ગ્રીસ, આઇસલેન્ડ, નોર્વે, હંગેરી, ડેન્માર્ક સહિત 15 દેશોમાં ખ્રિસ્તી સત્તાવાર ધર્મ છે. તે ઉપરાંત બૌદ્ધ ધર્મીઓની બહુમતી ધરાવતા છ દેશ અને યહુદીઓનો દેશ ઈઝરાયેલ છે. છતાં ડાબેરી બુદ્ધિજીવીઓને તેમાં કોઈ સમસ્યા નથી. પરંતુ ભારતની વાત આવે ત્યારે ભારતનો સત્તાવાર ધર્મ હિન્દુત્વ ન હોવો જોઇએ તેવી આ લિબરલોની દલીલ મને સમજાતી નથી.

ભારત જો હિન્દુ રાષ્ટ્ર જાહેર થાય તો દેશના બિનસાંપ્રદાયિક ચારિત્ર્ય ઉપર કોઇપણ પ્રકારનું જોખમ ઊભું થાય તેવી કોઈ શક્યતા નથી. હકીકતે હિન્દુઓ અન્ય ધર્મો પ્રત્યે અસહિષ્ણુ નથી એ કારણે જ ભારતમાં પારસી, જૈન, શિખ, મુસ્લિમ, જરથોસ્તી સહિતના ધર્મો વિકસ્યા છે.

તમે કોઇપણ ધર્મના ધાર્મિક સ્થળે જશો તો ત્યાં હિન્દુઓ મળી આવશે. હિન્દુત્વમાં ધર્માંતરનો સિદ્ધાંત જ નથી. દુનિયાના એવા ઘણા ખ્રિસ્તી અને મુસ્લિમ દેશો છે જે અન્ય દેશોમાં ખ્રિસ્તીઓ તેમજ મુસ્લિમોના માનવ અધિકારોના ઉલ્લંઘન અને ધાર્મિક ભેદભાવ અંગે ફરિયાદો કરે છે. દુનિયાને મ્યાનમાર, પેલેસ્ટિન, યમન વગેરેની ઘટનાઓ યાદ છે પરંતુ પાકિસ્તાન, અફઘાનિસ્તાન તથા અન્ય ઇસ્લામિક દેશોમાં હિન્દુઓ અને શિખો સાથે થયેલા અત્યાચારો કોઈને યાદ નથી! 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાની લશ્કરે બાંગ્લાદેશમાં હિન્દુઓની કત્લેઆમ કરી હતી એ કોઈને યાદ છે? કે પછી કાશ્મીરી પંડિતો અથવા જમ્મુ-કાશ્મીરના 1998 વંધમા હત્યાકાંડ કોઈને યાદ છે? પાકિસ્તાનમાંથી હિન્દુઓને પદ્ધતિસર નષ્ટ કરી દેવામાં આવ્યા કે પછી આરબ દેશોમાંથી ઐતિહાસિક મંદિરો તેમજ હિન્દુત્વનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે એ કોઈને યાદ નથી આવતું?

સાચી વાત એ છે કે, ભારતની સરકારી નીતિ બિનસાંપ્રદાયિકતા વિરોધી છે. દેશની મૂળ બહુમતી પ્રજા હિન્દુ છે અને તેની સાથે જ વ્યાપક ભેદભાવ થાય છે. તેના ઘણાં ઉદાહરણ છે. તમને હજ સબસિડી વિશે ખ્યાલ હશે જ. વર્ષ 2000થી અત્યાર સુધીમાં 15 લાખ કરતાં વધુ મુસ્લિમોએ આ સબસિડી લીધી છે. છેવટે સુપ્રીમ કોર્ટે ભારત સરકારને આવી સબસિડી દસ વર્ષના ગાળામાં તબક્કાવાર બંધ કરવા આદેશ આપ્યો. દુનિયાનો કયો સેક્યુલર દેશ તેના કોઈ એક ધાર્મિક જૂથને ધાર્મિક યાત્રા માટે સબસિડી આપે છે? 2008માં પ્રત્યેક મુસ્લિમ હજયાત્રી માટે વિમાનભાડાં ઉપર સરેરાશ સબસિડી 1,000 ડૉલર ચૂકવવામાં આવી હતી.

એક તરફ ભારત સરકાર તેના નાગરિકોને ધાર્મિક યાત્રા માટે આર્થિક સહાય કરી રહી હતી એ જ સમયે બીજી તરફ જ્યાં મૂર્તિપૂજાને અપરાધ માનવામાં આવે છે તે સાઉદી અરેબિયા આખી દુનિયામાં વહાબી અંતિમવાદ ફેલાવી રહ્યું હતું. સાઉદીમાં હિન્દુઓને તેમનાં મંદિરો બાંધવાની તો પરવાનગી નથી જ, પરંતુ ભારતથી આવતા હજયાત્રીઓની સબસિડીનો તે ભરપૂર લાભ લે છે.

સાચા સેક્યુલર દેશની ઓળખ તો એ છે કે તેના તમામ નાગરિકોને કોઇપણ જાતના ધાર્મિક ભેદભાવ વિના એક જ કાયદા હેઠળ આવરી લેવામાં આવે. પણ ભારતમાં અલગ અલગ કાયદા હેઠળ ધાર્મિક સ્વતંત્રતા મળેલી છે. મંદિરો સરકારી નિયંત્રણ હેઠળ છે, પરંતુ મસ્જિદો અને દેવળો સ્વાયત્ત છે. હજ માટે સબસિડી છે, પરંતુ અમરનાથ યાત્રા કે કુંભમેળા માટે કોઈ સહાય નથી. સાચી વાત તો એ છે કે, સાચો સેક્યુલર દેશ એકપણ ધર્મને આર્થિક સહાય કરે જ નહીં.

હિન્દુઓએ હંમેશાં લઘુમતીઓને આવકારી છે અને તેમનું રક્ષણ કર્યું છે. સહિષ્ણુતાના આ ઇતિહાસ ઉપર પણ થોડી નજર કરી લઇએ. આખી દુનિયામાં નકારી કઢાયેલા પારસીઓને ભારતમાં હિન્દુઓએ આવકાર આપ્યો હતો. 2000 વર્ષ પહેલાં યહુદીઓને તથા 1800 વર્ષ પહેલાં સિરીયન ખ્રિસ્તીઓને ભારતમાં આશ્રય મળ્યો હતો. હિન્દુત્વથી અલગ થયેલા જૈન અને બૌધ જેવા ધર્મો 2500 વર્ષથી અને શિખો 400 વર્ષથી એકબીજાની સાથે રહે છે.

કેટલીક હકીકતો ઉપર નજર નાખીએ તો હિન્દુ તરીકે શરમ અનુભવવાનો નહીં પરંતુ ગૌરવ કરવાનો સમય છે.

ભારત આજે કંઈ 1976ના બંધારણીય સુધારાને કારણે અથવા વકીલો કે પછી સાંસદોને કારણે નહીં પરંતુ બહુમતી પ્રજા હિન્દુ છે એ કારણે જ સેક્યુલર – બિનસાપ્રદાયિક – ધર્મનિરપેક્ષ છે. હજારો વર્ષની સહનશીલતા પછી અમલમાં આવેલા કોઈ દસ્તાવેજને કારણે નહીં પરંતુ આ ધર્મના મૂળ પાયામાં જ બિનસાંપ્રદાયિકતા છે. ભારતે પોતાને હિન્દુ (હિન્દુ/શિખ/જૈન) રાષ્ટ્ર જાહેર કરવું જ જોઇએ. આ તમામ ધર્મના લોકોના રક્ષણ માટે ભારતે આગળ આવવું જ જોઇએ, કેમ કે બીજા કોઈ દેશ એ ધર્મોને રક્ષણ આપતા નથી.

ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાથી બળજબરીપૂર્વક થતા ધર્માંતર તેમજ લઘુમતી ખુશામત ઉપર નિયંત્રણ આવશે. ભારત સેક્યુલર રહેશે ત્યાં સુધી જ તે પ્રગતિશીલ દેશ રહેશે. અને દેશ સેક્યુલર ત્યારે જ રહેશે જો હિન્દુઓ બહુમતીમાં હશે. બિનસાંપ્રદાયિકતા અને હિન્દુત્વ એક સિક્કાની બે બાજુ છે. સિક્કો ઉછાળો, જે છાપ આવશે તેમાં તમારી જીત છે.

ભારત જો હિન્દુ રાષ્ટ્ર બને તો તેનાથી ઉત્તમ કશું નથી. એવો યુનિફોર્મ સિવિલ કોડ (સમાન નાગરિક કાયદો) બનશે જે (હિન્દુઓ સહિત) કોઇને છૂટછાટ નહીં આપે. કોઇપણ દેશની પ્રગતિ માટે કાયદાનું શાસન જ મુખ્ય કારણ હોય છે – જર્મની, જાપાન, અમેરિકા એમ બધા દેશોમાં આવો કાયદો છે. ધર્માંતર ઉપર પ્રતિબંધ આવશે, વટાળ પ્રવૃત્તિ અટકી જશે તો કોઈ તબલિગીઓ નહીં હોય. ધર્માંતર અટકી ગયા પછી પ્રત્યેક વ્યક્તિ પોતે જે ઇચ્છે તે ધર્મનું પાલન કરી શકે અથવા તેને કોઈપણ ધર્મ નહીં પાળવાની-નાસ્તિક રહેવાની પણ સ્વતંત્રતા રહેશે. (હિન્દુત્વમાં તો નિરિશ્વરવાદ પંથનો પણ સ્વીકાર થયેલો છે.) બીજો એવો એકપણ ધર્મ બતાવો જ્યાં નાસ્તિકો પ્રત્યે આટલું માન રાખવામાં આવતું હોય.

મુસ્લિમ આક્રમણકારોએ આ ધરતી ઉપર ઘૂસણખોરી કરી તેના ઘણા સમય પહેલાં અહીં ધર્મનિરપેક્ષતા અને ધાર્મિક સહિષ્ણુતા અસ્તિત્વમાં હતાં. ભારતમાં મુસ્લિમોની ઘૂસણખોરી વર્ષ 1000ની આસપાસ શરૂ થઈ અને 1739 સુધી ચાલુ રહી. 10 કરોડ કરતાં વધુ હિન્દુઓની કત્લેઆમ થઈ, જે દુનિયાના ઇતિહાસનો સૌથી મોટો હત્યાકાંડ ગણાય. આ આક્રમણખોરોના વારસદારો સાથે હિન્દુઓએ બદલો લીધો નથી. બહુમતી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે જે તોફાનો થાય છે તેનું કારણ હિન્દુઓ નથી, પણ એ માટે દંભી સેક્યુલારિઝમ જવાબદાર છે. જો હિન્દુ રાષ્ટ્ર બનશે તો બિન-હિન્દુઓની ધાર્મિક સ્વતંત્રતા ઉપર કોઈ કાપ નહીં આવે.

હિન્દુઓએ તેમની ધરતીના ઇતિહાસ ઉપર ગૌરવ લેવું જ જોઇએ. તેમણે તોફાનો અને વિવાદનો ઉકેલ લાવવા માટે વાસ્તવિકતા તરફ પાછા વળવું જ જોઇએ. જો હિન્દુઓ હકીકતથી મોં ફેરવશે તો સાંસ્કૃતિક રીતે કેળવાયેલી આ ધરતીની સહિષ્ણુતાની છબીને જ નુકસાન થશે. ભારત અગાઉ અલગ મુસ્લિમ રાષ્ટ્રોની માગણી સ્વીકારીને ભૂલ કરી ચૂક્યો છે. ભારતે સેક્યુલારિઝમના નામે પૂરતી ખુશામત કરી લીધી છે. હવે હિન્દુઓએ સંગઠિત થઈને તેમનામાં વારસાગત રહેલા શાંતિના સિદ્ધાંતને અપનાવવાની જરૂર છે. એક એવું હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જરૂર છે જ્યાં ધર્મનિરપેક્ષતા કોઈ આમુખના આધારે નહીં પરંતુ વ્યવહારમાં હોય, જે દુનિયા માટે ઉદાહરણરૂપ બની રહે. એ સમય આવી ગયો છે.

 

(ખાલિદ ઉમર યુકેના પોર્ટ્સમાઉથ ખાતે રહે છે અને પોતાને સેક્યુલર માનવતાવાદી ગણાવે છે. તેઓ વાણી સ્વતંત્રતાને વૈશ્વિક અધિકાર તરીકે ટેકો આપે છે)

 

(Translated from English into Gujarati by Alkesh Patel.)