Home

Login

Login with Google

મદ્રેસા શિક્ષણમાંથી ઇસ્લામ ક્યારે બહાર આવશે?

August 10, 2020 Authored by: Shankar Sharan

Read the English version of the article here. 

The Jahiliyah of the Madrassas

કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનો વિરોધ કરવાની તબલીગી જમાતની માનસિકતા તથા તેના થોડા સમય પહેલાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક ગુરુદ્વારામાં હિંસક હુમલો કરવાની તાલિબાની માનસિકતા દુનિયાભરના સમજદાર લોકોના મનમાં ઘણા સવાલ ઊભા કરે છે. આ માનસિકતા પાછળ કયું પરિબળ જવાબદાર હશે? ઘણીવાર એવું જોવા-સાંભળવા મળે છે કે, મૌલવીઓ અને મુલ્લા બિન-ઇસ્લામિક લોકોને તેમજ બિન-ઇસ્લામિક જાહિલિયા તરીકે ઓળખાવે છે. શું મદ્રેસા શિક્ષણને કારણે આવી માન્યતા અને માનસિકતાને બળ મળતું હશે?

આ વિષય ઉપર વાતની શરૂઆત કરવી હોય તો પાકિસ્તાની લશ્કરના વડા જનરલ બાજવાની એ વાતને ધ્યાનમાં લઈને કરવી જોઇએ જે તેમણે થોડાં વર્ષ પહેલાં કહી હતી. બાજવાએ કહ્યું હતું કે, પાકિસ્તાની પ્રજાએ મદ્રેસા શિક્ષણમાંથી બહાર નીકળીને દૂરના ભવિષ્ય તરફ નજર કરવી જોઇએ. બાજવાએ કહ્યું હતું કે, મોટાભાગની મદ્રેસામાં જે શિક્ષણ આપવામાં આવે છે એ બાળકો મોટા થઈને કાંતો મૌલવી બનશે અથવા આતંકવાદી. પાકિસ્તાની લશ્કરી વડાએ કહ્યું હતું કે, મદ્રેસમાં જે પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે તેને કારણે એ વિદ્યાર્થીઓ દુનિયાની સરખામણીમાં ઘણા પાછળ રહી જાય છે. દુનિયામાં શું થઈ રહ્યું છે તેની તેમને ખબર જ નથી હોતી. મદ્રેસમાં ભણેલા વિદ્યાર્થીઓને વ્યવહારુ જગતની કામગીરી મળી ન શકે. અને તેથી તેઓ મૌલવી બની જાય અને પોતે જે શીખ્યા છે એ જ ધાર્મિક વાતો કર્યા કરે.

બાજવાએ જે વાત કરી એ આમ તો ઘણી જાણીતી છે. આ બધી બાબતોને એક સાથે રાખીને તેના ઉપર વિચાર કરવામાં આવે તો મુસ્લિમ સમુદાયોની મૂળભૂત મુશ્કેલીનું કારણ સમજવા મળશે. આ મુશ્કેલીઓ એટલે – આક્રમકતા, અસહિષ્ણુતા અને અજ્ઞાન. આ જ મુદ્દા ઉપર ધ્યાન દોરવા માટે ઘણાં વર્ષ પહેલાં ડૉ. ભીમરાવ આંબેડકરે ઇસ્લામને “બંધ વ્યવસ્થા” (બંધન અવસ્થામાં રહેલી વ્યવસ્થા) તરીકે ઓળખાવતા. તેમના કહેવાનો આશય એ હતો કે મુસ્લિમો ધાર્મિક બાબત સિવાય બીજી કઈ બાબતને મહત્ત્વ આપતા નથી. હવે વિચાર કરો કે, જાહિલ ખરેખર કોણ છે?

આ રીતે જોઇએ તો જનરલ બાજવાએ જાહિલપણામાંથી નીકળવા માટેની ચેતવણી આપી હતી. એવું જાહિલપણું જે મદ્રેસાઓમાં અપાતી મધ્યયુગી તાલીમને કારણે પાકિસ્તાન, અફઘાનિસ્તાનની બે-બે પેઢી બરબાદ થઈ ગઈ છે. આ પ્રજા અતિશય નાનકડા વર્તુળમાં, અજ્ઞાનમાં અને હિંસામાં ખૂંપેલી છે. અને આ સમસ્યા માત્ર પાકિસ્તાની મદ્રેસાઓની નથી, પણ આખા વિશ્વમાં ઠેરઠેર ફેલાયેલા મુસ્લિમ સમાજની છે. અનેક દેશોમાં કરોડો મુસ્લિમ બાળકો હજુ આજે પણ 1400 વર્ષ જૂની વાતો, દાવા, માગણીઓ, આદેશ અને કાયદા ભણે છે અને ગોખી નાખે છે. તેમાં જ ફસાઈને અનેક મુસ્લિમ કિશોરો અને યુવાનો અંધવિશ્વાસુ, જિદ્દી તેમજ અહંકારી બની જાય છે. પોતાના મર્યાદિત ઇસ્લામિક પુસ્તકો સિવાયની બાકીની તમામ બાબતોને કુફ્ર, શૈતાની અને કાફિરી માનીને તેના પ્રત્યે આક્રોશ વ્યક્ત કરે છે અને તેનાથી દૂર રહે છે.

થોડાં વર્ષ પહેલાં અમેરિકાની એક સમિતિએ તેના અહેવાલમાં લખ્યું હતું કે, પાકિસ્તાની મદ્રેસાઓમાં તેમજ સરકારી શાળાઓમાં બિન-મુસ્લિમો અંગે ખોટી, તિરસ્કારયુક્ત બાબતો ભણાવવામાં આવે છે. સરકારી પાઠ્ય પુસ્તકો પણ ઇસ્લામી વિષયોથી જ ભરપૂર હોય છે. તેમાં ખાસ કરીને હિન્દુઓ અંગે ગંદી અને અપમાનજનક વાતો લખવામાં આવેલી હોય છે. તેને પરિણામે એ દેશમાં બિન-મુસ્લિમો પ્રત્યે ધિક્કાર અને આક્રોશ વધે છે અને અન્ય સમુદાયોએ હિંસાનો ભોગ બનવું પડે છે. સાથે એ પણ એટલું જ સાચું છે કે આવી અસહિષ્ણુતા અને પરિણામે હિંસાની ઘટનાઓ મુસ્લિમોના અલગ અલગ સમુદાયોમાં પણ ફેલાય છે.

આથી જ જનરલ બાજવાની જેમ સમયાંતરે ઘણા પાકિસ્તાની નેતાઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે શિક્ષણ પ્રથામાં પરિવર્તન કરવું જરૂરી છે. એક સમયના ખૈબર પખ્તુન પ્રાંતના શિક્ષણપ્રધાન સરદાર હુસૈને કહ્યું હતું કે સિલેબસમાં ફેરફાર કરવાની ખાસ આવશ્યકતા છે. 15-17 વર્ષ પહેલાં તત્કાલીન પાકિસ્તાની પ્રમુખ મુશર્રફ તેમજ તેમની સરકારના પ્રધાન મસૂદ અહમદ ગાજીએ એવી દસ હજાર મદ્રેસાઓ સામે પગલાં લેવાનું નક્કી કર્યું હતું જે ઘૃણા, હિંસા અને આતંકવાદ ફેલાવવા માટે જવાબદાર છે. આમ છતાં હજુ આજે પણ પાકિસ્તાનમાં આ સ્થિતિ યથાવત્ હોય તો વિચારો કે તેના મૂળ કેટલા ઊંડા છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનો સત્તા ઉપર આવ્યા પછી પાકિસ્તાનમાં હક્કાની નેટવર્કની મદ્રેસાઓ પ્રસિદ્ધ થઈ ગઈ હતી. એ મદ્રેસાઓ દેવબંદી વિચારધારા આધારિત છે. ત્યાંથી નીકળેલા વિદ્યાર્થીઓ અર્થાત તાલિબાનોએ જ અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી હતી. યુરોપ તેમજ અમેરિકી મીડિયાને ત્યારે તેમાં રસ જાગ્યો હતો. એ પત્રકારોએ ત્યાં જઇને લાંબા લાંબા અહેવાલો લખ્યા હતા. તેમણે જોયું કે હક્કાની નેટવર્કમાં સાવ જૂજ વિદ્યાર્થીઓ ઇસ્લામી વિષય સિવાય બીજું કશું ભણતા હતા. અર્થાત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માત્ર ઇસ્લામી શિક્ષણ જ લેતા હતા. એ મદ્રેસાઓમાં વિશ્વના ઇતિહાસ કે ગણિતના વિષયો ઉપર કોઈ અભ્યાસક્રમ જ નથી. વિજ્ઞાનની પ્રયોગશાળા અને કમ્પ્યૂટર પણ ત્યાં નથી. આથી ત્યાંથી અભ્યાસ કરીને નીકળનાર વિદ્યાર્થી એ જ હોવાના જેના વિશે જનરલ બાજવાએ કહ્યું હતું, અર્થાત કાંતો મૌલવી અથવા આતંકવાદી. તેથી જ હક્કાની નેટવર્કની મદ્રેસાઓને જેહાદી કારખાનાની ઉપાધિ આપવામાં આવેલી છે.

હક્કાની નેટવર્ક માત્ર તેના કદને કારણે પ્રસિદ્ધ છે એવું નથી, પણ ત્યાંથી તૈયાર થઈને નીકળેલા તાલિબાનીઓને કારણે પણ પ્રસિદ્ધ છે. આ મદ્રેસાઓમાંથી એટલા તાલિબાની આતંકીઓ બહાર પડ્યા છે જેટલી સંખ્યામાં તો અફઘાનિસ્તાની સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ પાસ નથી થયા. તાલિબાનોની ઓળખ એ છે કે તેઓ ઇસ્લામી કાયદા પ્રત્યે કટ્ટર વલણ રાખતા હોય છે, સ્ત્રીઓ સાથે ક્રુરતા કરવામાં માનતા હોય છે અને જેહાદી આતંક તેમનું ધ્યેય હોય છે. તેમનું ધ્યેય છેવટ સુધી નિરંતર જેહાદ કરવાનું હોય છે.

તેમને મન દુનિયાના માત્ર બે જ ભાગ છે – એક તરફ ઇસ્લામ છે અને તેની વિરુદ્ધમાં તમામ કાફિરો છે. આ કાફિરોમાં ખ્રિસ્તી, યહુદી અને ખાસ કરીને હિન્દુઓ છે. મોટાભાગના પાકિસ્તાનીઓની જેમ ત્યાંના મૌલવીઓ એવું વિશ્વાસપૂર્વક માને છે કે અમેરિકાની વિદેશનીતિ યહુદીઓ અને હિન્દુઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

પાકિસ્તાનમાં આ બાબતનો એ હદે પ્રચાર કરવામાં આવે છે કે કટ્ટરવાદી ઇસ્લામવાદીઓ પ્રત્યે સહાનુભૂતી રાખનાર પાકિસ્તાની ગુપ્તચર સેવા આઈએસઆઈના ભૂતપૂર્વ વડા હામિદ ગુલે એક અમેરિકી પત્રકાર જેફરી ગોલ્ડબર્ગને આપેલા ઈન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, ઇઝરાઇલ સમર્થક લૉબી જ પાકિસ્તાન પ્રત્યે અમેરિકાની નીતિ નક્કી કરે છે. ભારતના બ્રાહ્મણોનો ઉલ્લેખ કરીને ગુલે એમ પણ કહ્યું હતું કે યહુદીઓ અને બ્રાહ્મણોમાં ઘણી સમાનતા છે. એ પત્રકારે પૂછ્યું કે કેવી સમાનતા? ત્યારે ગુલે કહ્યું હતું, “નાણાં ધિરધાર.” વિચાર કરો પાકિસ્તાનમાં કઈ હદે ભારત અને ઇઝરાઇલ વિરુદ્ધ કાન ભંભેરણી થાય છે!

વાસ્તવમાં, પાકિસ્તાનમાં એકમાત્ર હક્કાની નેટવર્ક છે એવું નથી. એ સિવાય પણ દસ હજારથી વધુ મદ્રેસા છે જ્યાં દસ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ કટ્ટર ઇસ્લામી શિક્ષણ લે છે. અનેક એવા મદ્રેસા છે જે એક ગામમાં જ ચાલતા હોય અને ત્યાં 25-50 વિદ્યાર્થીઓ ભણતા હોય. કેટલાક મદ્રેસા પાકિસ્તાનમાં ધર્મ આધારિત ચાલતા રાજકીય પક્ષો દ્વારા સંચાલિત છે. કેટલાક મદ્રેસા એવા મુજાહિદ્દીન સંગઠનો દ્વારા ચલાવવામાં આવે છે જે કાશ્મીરમાં ભારત વિરુદ્ધ સક્રિય છે.

હક્કાનીની જેમ કરાચીની બિનોરી મદ્રેસા પણ દેવબંદી વિચારધારાની પેદાશ છે. યાદ રાખો મૂળ દેવબંદી મદ્રેસા દિલ્હીથી માત્ર 150 કિ.મી. દૂર ઉત્તરપ્રદેશમાં “દાર-ઉલ-ઉલમ” છે. આ મદ્રેસાના ભારતીય મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ એવા તાલિબાની આતંકીઓને પોતાના આદર્શ માને છે જેઓ બુદ્ધની મૂર્તિઓ તોડવામાં, મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં સંડોવાયેલા હતા.

આમ જ્યાં જ્યાં આવી મદ્રેસાઓ છે ત્યાં જાહિલિયતની આવી જ સ્થિતિ જોવા મળે છે. તેથી જ જનરલ બાજવાની ચેતવણી ઉપર ભારતીય મુસ્લિમોએ પણ ઠંડા મગજથી વિચારવું જોઇએ. ખાસ કરીને એ બાબતે વિચારવું જોઇએ જે આ મદ્રેસાઓમાં શીખવવામાં આવે છે. એ સમજાય તો ખ્યાલ આવશે કે ત્યાંથી જેહાદી આતંકવાદ સાવ નજીક છે. એવું કયું શિક્ષણ છે જે નિર્દોષ લોકોની ક્રુર હત્યા કરતા શીખવાડે છે?

એક રીતે જોઇએ તો આ લોકોની વિચારધારા ખ્રિસ્તી મિશનરી ધર્માંતર કરનારાઓ તેમજ માઓવાદી હિંસાખોરો જેવી જ છે. ટૂંકમાં આ મદ્રેસાઓના મૌલવીઓ તેમજ વિદ્યાર્થીઓ આટલા મુદ્દા ધ્યાનમાં રાખતા હોય છેઃ –

 1. આ દુનિયાનું સત્ય તદ્દન સરળ છે;
 2. એ સત્ય એક જ વ્યક્તિ, મહંમદ પયગંબરને મળ્યું છે;
 3. એ સત્યને એક જ પુસ્તક, કુરાનમાં લખી દેવામાં આવ્યું;
 4. તેનો એક એક શબ્દ અંતિમ છે;
 5. તેના અંગે શંકા કરનારા શૈતાન (અથવા યહુદી, હિન્દુ વગેરે) ના એજન્ટ છે;
 6. તેમાં લખવામાં આવેલી બાબતો સિવાયની તમામ વાતો નકામી છે;
 7. એ પુસ્તકને સમજવું મુશ્કેલ છે;
 8. તેથી મુસ્લિમોએ ઉલેમાઓની મદદ લેવી જરૂરી છે;
 9. એ વાતો દુનિયામાં બધા સ્વીકારી લેશે તો સંપૂર્ણ શાંતિ છવાઈ જશે;
 10. પરંતુ જ્યાં સુધી બધા તેનો સ્વીકાર ન કરે ત્યાં સુધી અશાંતિ રહેશે;
 11. આથી તમામ મુસ્લિમોની ફરજ છે કે દુનિયાને મુસ્લિમ બનાવે;
 12. આ વાતો સ્પષ્ટ છે અને તે ન માનનાર શૈતાન અથવા કાફિરનો એજન્ટ છે;
 13. એવા લોકોને માર્ગમાંથી દૂર કરવા જરૂરી છે કેમ કે તે શાંતિના માર્ગમાં અવરોધક છે;
 14. આથી આ મહાન લક્ષ્યને કોઈપણ ભોગે હાંસલ કરવું જોઇએ.

 

આમ તમામ જેહાદી, તાલિબાનો, આતંકવાદીઓ, ઇસ્લામિક સ્ટેટના સમર્થકોની માનસિકતાનો અભ્યાસ કરવામાં આવે તો કુલ 14 અંધવિશ્વાસ મળે છે. તેમની અન્ય વાતો પણ આમાંથી જ નીકળેલી છે.

આવી વિચિત્ર શ્રદ્ધા, અંધવિશ્વાસ કે જાહિલિયત વિના નિર્દોષ લોકોની હત્યાનું સમર્થન કરવું કે તેના ઉપર ગૌરવ લેવાનું અશક્ય છે. નાની ઉંમરના બાળકોને તદ્દન ખોટી અને આભાસી વાતો દ્વારા ભરમાવીને જ ખૂંખાર આતંકવાદીમાં પરિવર્તિત કરી શકાય. તેમને ભણાવનારી મદ્રેસાઓના અભ્યાસક્રમ, આતંકવાદીઓની જાહેરાતો, સૂત્રો, પકડાયેલા અથવા ઠાર મરાયેલા આતંકવાદીઓની ડાયરીઓ, પત્રો, સંદેશા વગેરે દ્વારા સેંકડો વખત આ બાબત સાબિત થયેલી છે.

આથી મોટાભાગની મદ્રેસાઓમાં કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે એ સૌને ખબર પડી ગઈ છે. આ અંગે સમજદાર મુસ્લિમોએ જાતે વિચારવું જોઇએ. એ સાચું કે એવું કરવામાં તેમણે આક્રોશનો, સંઘર્ષનો સામનો કરવો પડે. પરંતુ તેનાથી બચશો પણ ક્યાં સુધી?

સુપ્રસિદ્ધ લેખક વિ. એસ. નાયપૉલે અનેક દેશના મુસ્લિમ સમાજનો વિસ્તૃત અને ઊંડો અભ્યાસ કર્યો હતો. આરબ સિવાયના મુસ્લિમોએ પોતપોતાની પરંપરાગત સ્થાનિક સંસ્કૃતિ અને સામે તેમના ઉપર લાદવામાં આવેલી ઇસ્લામી માન્યતાઓ વચ્ચે સંઘર્ષનો સામનો કરવો પડે છે. એ લોકો જાણે પોતાની પરંપરાગત ધરતી, પૂર્વજોના સંસ્કાર વગેરેથી અપહૃત કરવામાં આવ્યા હોય એવું લાગે છે.

અલબત્ત, આ વાત ખુદ આરબ મુસ્લિમો માટે પણ એટલી જ સાચી છે. મહંમદના આગમન પહેલાં આરબની પણ એક બહુવિધ સંસ્કૃતિ હતી. ઇસ્લામના આગમન પહેલાંની સાંસ્કૃતિક વિશેષતાઓની તુલના એવી વિશેષતા તેમજ મૂલ્યો સાથે કરવી જોઇએ જે ઇસ્લામને કારણે તેમના ઉપર લદાઈ છે.

આથી, મુસ્લિમોએ સમજદારીપૂર્વક ઇતિહાસ તેમજ પોતાની સ્થિતિ અંગે વિચાર કરવો જોઇએ. પોતાના વિચારો, શ્રદ્ધા અને રિવાજો ઉપર દ્રષ્ટિપાત કરીને માનવીય ધોરણે તેની સમીક્ષા કરવી જોઇએ. તેમણે વિચારવું જોઇએ કે તેમણે તેમના અનુયાયીઓને તેમજ માનવ જાતને આજ સુધી શું આપ્યું છે અને શું આંચકી લીધું છે. તેણે વ્યક્તિ અને સમાજ માટે કુલ શું હાંસલ કર્યું. સાથે જ અન્ય ધર્મો, જ્ઞાન, સભ્યતા-સંસ્કૃતિની સરખામણીમાં ઇસ્લામની સિદ્ધિઓની સ્થિતિ ખરેખર શી છે. આ વિચારણા મુસ્લિમોએ જાતે કરવી પડશે. બીજું કોઈ તેમના માટે આ ન કરી શકે.

અત્યારે તો એ બાબત ઉપર ધ્યાન આપવું જોઇએ કે, મુસ્લિમ બાળકોને જટિલ મદ્રેસાઓની બહાર મહાન પુસ્તકો, વિચારો અને જ્ઞાન-ભંડાર ઉપલબ્ધ થાય. ભારત જેવા દેશમાં આ વધારે સરળ છે. શું મુસ્લિમોને તેના ફાયદાનો ખ્યાલ નથી આવતો?

માત્ર મદ્રેસાઓની ઇસ્લામી તાલીમ સુધી સીમિત રહેનાર તાલિબાન કેટલા યોગ્ય બની શકે છે, શું વિચારે છે, શું કરી શકે છે અને તેની સામે સમગ્ર દુનિયાના જ્ઞાન-ભંડારથી વાકેફ થનાર મુસ્લિમ કેટલા સક્ષમ બની શકે છે – આ બધો વિચાર મુસ્લિમોએ કરવો પડશે. તો જ તેઓ તેમનો આગળનો માર્ગ શોધી શકશે.

 

[Translated into Gujarati by Alkesh Patel]

Designed & Managed by Virtual Pebbles
X