
Read the English article here:
Does Islam offer anything beyond Fatwas?
ત્રણેક વર્ષ પહેલાં રાંચીની રફિયા નાઝ વિરુદ્ધ મૌલાનાઓએ ફતવો બહાર પાડ્યો હતો. કારણ એ હતું કે રફિયા યોગની તાલીમ આપતી હતી. એક તરફ આખી દુનિયામાં યોગાભ્યાસને સ્વાસ્થ્ય માટે સર્વશ્રેષ્ઠ શારીરિક-માનસિક કવાયત માનવામાં આવે છે. અમેરિકાના વ્હાઇટહાઉસથી લઈને મલેશિયાની એક સામાન્ય સ્કૂલમાં પણ યોગની મહત્તા સ્વીકારવામાં આવી છે. હવે તો સાઉદી અરેબિયાએ પણ યોગને સત્તાવાર રીતે માન્યતા આપી દીધી છે. દુનિયાના તમામ બૌદ્ધધર્મી દેશોમાં યોગના વિવિધ આસન દૈનિક જીવનપદ્ધતિનો ભાગ છે. તો પછી અહીં મૌલાના યોગ વિરુદ્ધ ફતવો બહાર પાડીને તંદુરસ્તીને બદલે શું બીમારીને ઉત્તેજન આપવા માગે છે?
એક રીતે જોવા જઇએ તો યોગાભ્યાસમાં કશું જ ધાર્મિક અથવા ધર્મ-વિરોધી નથી. એક ચોક્કસ સ્થિતિમાં બેસવું, ઊંડા શ્વાસ લેવા, શ્વસનપ્રક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું, શરીરને અલગ અલગ દિશામાં વાળવું, એ સ્થિતિમાં થોડો સમય રહેવું – આ તમામ બાબતો વ્યક્તિગત પ્રયોગ જેવી છે. જે રીતે ટેનિસ, જિમ્નાસ્ટિક્સ, સ્વિમિંગ કે પછી ચેસની રમતમાં શરીર તેમજ મનને ચોક્કસ સ્થિતિમાં રાખવાનું હોય છે તેવી જ રીતે યોગાભ્યાસ પણ શરીર-મનની ક્રિયા છે. યોગનું પરિણામ પણ તરત જાણવા મળતું હોય છે, કેમ કે તે શુદ્ધ વિજ્ઞાન છે. આ કોઈ ધાર્મિક બાબત નથી જે બીજા ધર્મની વિરુદ્ધ કશું કહેતી હોય.
છતાં અહીં મૌલાનાઓએ તેને વિવાદનો મુદ્દો બનાવેલો છો. અગાઉ મૌલાનાઓએ “ઓમ” ના ઉચ્ચારણ વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો. હકીકતે “ઓમ” નું ઉચ્ચારણ પણ કોઈ ધર્મ કે સંપ્રદાય વિરુદ્ધ નથી. “ઓમ” કોઈ મૂર્તિ નથી, કોઈ પુસ્તક નથી, કોઈ ગીત નથી. આ માત્ર એક સ્વર છે, ધ્વનિ છે. મોંએથી ઉચ્ચારાતો ધ્વનિ. તો શું કોઈ સંપ્રદાયને ધ્વનિથી પણ જોખમ ઊભું થઈ શકે? અબ્દુલ કાસીમ નાઓમી નામના એક મૌલાનાએ દલીલ કરી હતી કે “ઓમ” હિન્દુ પૂજા-પાઠનો હિસ્સો છે તેથી મુસ્લિમોએ તેનું ઉચ્ચારણ ન કરવું. જો એવું જ હોય તો ગંગા નદી પણ હિન્દુ પૂજા-પાઠનો હિસ્સો છે, અને પવનદેવ પણ એવો જ હિસ્સો છે. તો શું ગંગાજળ અને પવનથી મુસ્લિમોએ દૂર રહેવું જોઇએ? આવા અતાર્કિક અંધવિશ્વાસમાં ક્યાં સુધી મૌલાનાઓ પોતે ફસાયેલા રહેશે અને બીજાને ફસાવતા રહેશે?
સાચી વાત તો એ છે કે, જળ, પવન, સૂર્યના કિરણો તેમજ ધરતી અને માટીની જેમ યોગનું પૂર્ણ વિજ્ઞાન પણ માનવજાતિ માટે લાભદાયક છે. જેમ કમ્પ્યૂટર સાયન્સ કે પછી અવકાશ વિજ્ઞાનના પુસ્તકને કોઈ ધર્મ-સંપ્રદાય સાથે કોઈ લેવાદેવા નથી, તે બધા માટે ઉપયોગી છે. એ જ રીતે યોગના તમામ પુસ્તકોનું છે. સ્વામી વિવેકાનંદથી લઈને સ્વામી શિવાનંદ અને વર્તમાન સમયના સદ્દગુરુ જગ્ગી વાસુદેવ સહિત સાધુ-સંત અને ગુરુઓએ ભારતીય યોગ વિજ્ઞાન વિશે પ્રજાહિતમાં અલગ અલગ રીતે લખ્યું છે, તેનો પ્રસાર કર્યો છે.
પરિણામે એરિસ્ટોટલના પુસ્તક ‘ફીજિકા’ અથવા ચાર્લ્સ ડાર્વિનનું પુસ્તક ‘ઓરિજિન ઑફ સ્પિસિઝ’ ની જેમ જ પતંજલિનું “યોગસૂત્ર” પણ જ્ઞાન પિરસતાં પુસ્તકો પૈકી એક છે. આ બધા જ્ઞાનના ભંડાર છે, સંપ્રદાય નથી. તેથી જ તેનો ઉપયોગ સમગ્ર માનવજાત કરે છે.
આમ યોગ વિરુદ્ધ ફતવો જારી કરીને મૌલાના પોતાને જ હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી રહ્યા છે. તેના દ્વારા તેઓ પોતાના ધર્મને નબળો અને નાજૂક જાહેર કરે છે કે જાણે કોઈપણ સામાન્ય બાબતથી તે ભાંગી પડશે! એવો ધર્મ જે કોઇપણ બાબત ચકાસવાને બદલે દરેક નાની નાની વાતે માત્ર ફતવા, પ્રતિબંધ, ઇનકાર, વિરોધ, ધમકી આપે છે. કોઈપણ ધર્મ માટે આ તેની ક્ષમતા નહીં પરંતુ નબળાઈ જ કહેવાય.
હકીકતે મૂર્તિપૂજા વિરોધી ફતવા પણ નિરર્થક છે. થોડા વર્ષ પહેલાં કેટલાક મુફ્તિઓએ ભોપાલની સ્કૂલોમાં સામૂહિક સૂર્ય નમસ્કાર વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ વસ્તુ સામે નમવાની ઇસ્લામ પરવાનગી નથી આપતો. સૂર્ય જોઈ શકાય એવો એક આકાશી ગ્રહ છે તેથી તેની સામે નમવું બિન-ઇસ્લામિક છે! હવે હકીકતે ઇસ્લામની માન્યતા આવી કોઈ વસ્તુને તોડી પાડવાની હોય છે. મહંમદ પૈયગંબરે પોતે મક્કાના કાબામાં 360 મૂર્તિઓ તોડી પાડી હતી, જેની આરબો એ સમય સુધી પૂજા કરતા હતા. આ જ કારણે મહંમદી અનુયાયીઓ આખી દુનિયામાં મંદિરો, બુદ્ધ મૂર્તિઓ, દેવળો વગેરે તોડી પાડતા હોય છે અને આજે પણ જો તક મળે તો તોડી પાડવા તત્પર હોય છે.
જો એવું જ હોય તો તેમણે સૂર્યને તોડી પાડવો જોઇએ! સૂર્યને તોડી પાડ્યા વિના મૂર્તિઓ તોડી પાડવાનો સિદ્ધાંત અધુરો ગણાય. સૂર્યપૂજાનું મહત્ત્વ અનાદીકાળથી છે. ફારસી, રોમન તેમજ પૂર્વ યુરોપના કેટલાક દેશોમાં સૂર્યપૂજા થતી હતી. એ રીતે સૂર્ય કાફિરોના ઈશ્વર છે, તો પછી એવા સૂર્યનો વિધ્વંસ નહીં કરો તો ઇસ્લામના સિદ્ધાંતનું શું થશે?
વાસ્તવમાં યોગ વિરુદ્ધનો એ ફતવો અલગ અલગ ફતવાની શ્રેણીનો એક ભાગ હતો. આ અગાઉ પણ વંદેમાતરમ્ ગાવા સામે, ભારત માતાની જય બોલવા સામે, ફિલ્મી ગીતો ગાવા સામે, સોશિયલ મીડિયામાં પોતાના અને પરિવારના ફોટા મૂકવા સામે વગેરે ફતવા જારી થઈ ચૂકેલા છે. આ તો છેલ્લા થોડા વર્ષના માત્ર ભારતના ઉદાહરણ છે. આખી દુનિયાના છેલ્લી કેટલીક સદીના મૌલવીઓ, મુફ્તિઓના ફતવા એકત્ર કરવામાં આવે અને તેને મુસ્લિમોના વાસ્તવિક જીવન સાથે સરખાવવામાં આવે તો એવું જ લાગશે કે ઇસ્લામ તો ઘણા સમય પહેલાં જ સૈદ્ધાંતિક અને વ્યવહારિક રીતે હારી ગયો છે, અને લગભગ તમામ મુસ્લિમો કાફિર બની ગયા છે!
તેનું કારણ એ છે કે, જો એ ફતવા સાચા હોય તો વ્યવહારમાં કરોડો મુસ્લિમો ફાફિર બની ગયેલા ગણાય. માનવીનું ચિત્ર દોરવું, ફોટો પાડવો, ગીત-સંગીત વગાડવું-ગાવું, પુરુષો દ્વારા દાઢી કરવી, સ્યૂટ પહેરવો, છોકરીઓનું સ્કૂલે જવું, ઑફિસમાં કામ કરવું, બુરખા વિના અથવા બુરખા સાથે ઘરના કોઈ પુરુષ સાથે બહાર નીકળવું, અને એથી આગળ વધીને એવા દેશમાં રહેવું જ્યાં ઇસ્લામ-શરિયતનું શાસન ન હોય એ બધું જ ઇસ્લામ વિરોધી છે!
મૌલાના અબુલ કલામ આઝાદે 1919માં એક ફતવો બહાર પાડીને કહ્યું હતું કે ભારતના મુસ્લિમોએ અહીંથી નીકળી જવું જોઇએ કેમ કે કોઈ કાફિરના શાસન હેઠળ રહેવાની ઇસ્લામ પરવાનગી નથી આપતો. તેમના આ ફતવા પછી હજારો મુસ્લિમો અફઘાનિસ્તાન ચાલ્યા ગયા હતા. એ પછી ત્યાં એમની શું સ્થિતિ થઈ એ ઇતિહાસમાં નોંધાયેલું છે. પણ આ વાત ઉપરથી એવું તારણ કાઢી શકાય કે ભારતના તમામ મુસ્લિમ અહીં રહીને ઇસ્લામ વિરોધી કૃત્ય કરી રહ્યા છે.
એ જ રીતે ફિલ્મોમાં કામ કરનારા તમામ મુસ્લિમ કલાકાર તો રોજેરોજ ઇસ્લામનું અપમાન કરે છે. ગાવું-વગાડવું, લખવું વગેરે બાબતો તમામ મુસ્લિમ ગાયક, ગાયિકા, સંગીતકાર, ફોટોગ્રાફર વગેરેને કાફિર બનાવી દે છે. રફી, નૌશાદ, શકીલથી લઇને યૂસુફ ખાન આ તમામ આખી જિંદગી કાફીર બની રહ્યા. એ હિસાબે જે મુસ્લિમ કલાકારો અવસાન પામ્યા છે તે નર્કની આગમાં સળગી રહ્યા હશે? આ કોઈ હસવાની વાત નથી. આયાતોલ્લા ખોમેનીથી લઇને અહીંના પણ અનેક મૌલવીઓનો મત છે કે ઇસ્લામમાં સંગીત પ્રતિબંધિત છે. આથી જ સાઉદી અરેબિયામાં હમણાં સુધી ફિલ્મ નિર્માણ બંધ હતું. થોડા વર્ષ પહેલાં જ શરૂ થયું. સાઉદીમાં ફિલ્મ નિર્માણ શરૂ તો થયું, પરંતુ ત્યાંના ઈમામો નારાજ થયા. જોકે તેઓ કશું કરી શક્યા નહીં, કેમ કે એ ઈમામોની વગ ઘટી છે. જો એ હજુ મજબૂત હોત તો સાઉદી અરેબિયામાં આજે પણ ફિલ્મ નિર્માણ ન થાત.
આમ જો કોઈ ઇસ્લામી આદેશ કે ફતવાનું પાલન ન થાય તો તેનું કારણ એટલું જ હોય કે એ મૌલવીઓ-ઈમામોની વગ ઘટી છે. આ જ કારણે દુનિયામાં ગમેત્યારે કોઈ દેશમાં કોઈ ઇસ્લામી નેતા કે સંગઠન મજબૂત થાય અને સત્તા કબજે કરે ત્યારે ફતવાઓને મક્કમતાથી લાગુ કરવાનો પ્રયાસ કરતા હોય છે. ભારતમાં શાહબાનોથી લઇને ગુડિયા, ઇમરાના, જરીના, સાયરા વગેરે અનેક ઉદાહરણ છે જ્યાં બંધારણ તેમજ માનવીય લાગણી કચડી નાથીને શરિયત લાગુ કરવામાં આવ્યો હોય.
આ જ વાત ધ્યાનમાં રાખવાની અને સમજવાની છે. ઇસ્લામી પુસ્તકોના અર્થઘટન કરવા માટેની ચર્ચા કે મીડિયા અને શૈક્ષણિક લેખન દ્વારા ઘડી કાઢવામાં આવતા સુંવાળા તર્ક માત્ર સમયની બરબાદી છે. જ્યારે પણ તાલિબાન કે ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)ની તાકાત વધે ત્યારે તમામ અભ્યાસ અને તર્ક નિરર્થક બની જાય છે. આ સ્થિતિ માત્ર સીરિયા કે અફઘાનિસ્તાનમાં જ નહીં પણ ઇરાન, ઇરાક, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, ઈંગ્લેન્ડ, જર્મની વગેરે ઘણા દેશમાં જોઈ શકાય છે.
આથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે – શું ઇસ્લામ પાસે ફતવા અને ધમકીઓ સિવાય બીજું કશું છે ખરું? કે ભૂતકાળમાં કશું હતું ખરું? જે તેમને ન ગમે તેની વિરુદ્ધ પ્રતિબંધ, ધમકી અને હિંસા – એથી આગળ કશું સાંભળવા મળતું નથી. અને આવું કંઈ હમણાથી છે એવું પણ નથી, આ તો ઇસ્લામના ઇતિહાસના પ્રારંભથી છે. ઇસ્લામના ધર્મગુરુઓ ગર્વથી કહેતા હોય છે – કુરાન અને તલવાર. તલવાર સિવાય બીજી કોઈ બાબતનો કશો ઉલ્લેખ આખા ઈતિહાસમાં દેખાતો નથી.
જે રીતે હિન્દુ સંત કે વિચારક કોઈ મુદ્દાને, બાબતને તર્કપૂર્ણ રીતે, વિવેકબુદ્ધિથી સમજાવે છે એવું ઇસ્લામના ધર્મગુરુઓ દ્વારા જોવા મળ્યું નથી. તેમના મોંએથી તો માત્ર એટલું જ સાંભળવા મળે છે – “ઇસ્લામમાં આ હરામ છે”, “આ બાબતની મનાઈ છે”, “આ બાબતની પરવાનગી નથી”. “એ કાફિર છે” – આ સિવાય કોઈ સારા શબ્દો પણ તેમની પાસે નથી હોતા. અને પછી છેલ્લે તેઓ, મારી નાખો, કાપી નાખો, ફાંસી આપી દો – એ જ બોલતા સાંભળવા મળે છે!
હંમેશાં એવું જ જોવા મળ્યું છે કે ઇસ્લામના આગેવાનો પાસે હિંસા સિવાય બીજો કોઈ તર્ક હોતો નથી. આ કોઈ એક દેશની વાત નથી, ભારત, ઇરાન, આરબ દેશોથી શરૂ કરીને યુરોપ, અમેરિકા એમ દરેક જગ્યાએ ઇસ્લામી આગેવાનો માત્ર એક જ ભાષા બોલે છે – ફતવો, ધમકી, છેતરપિંડી અને હિંસા. સદીઓ પહેલાંનો વિચાર કરશો તો પણ આ જ સ્થિતિ દેખાશે. શ્રીનગરથી લઇને ટોરન્ટો, મુલતાનથી લઇને ઢાકા, દેવબંધ, તહેરાન અને મોરોક્કો, નાઇજિરિયા – દરેક જગ્યાએ ફતવા અને ધમકીઓ જ સંભળાય છે. એકપણ મુદ્દે બુદ્ધિ, વિવેક, તર્ક, દલીલ દ્વારા સામેની વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ કરાતો નથી. ઉલેમા-મૌલવીઓ આવું કરી શકતા નથી. એ લોકો તો તસલીમા નાસરીન અને વફા સુલતાન પાસે જઈને તર્ક દ્વારા તેમને સમજાવવા તૈયાર નથી.
સ્વામી રામદેવ યોગના લાભ જણાવીને લોકોને યોગાભ્યાસ કરવા પ્રેરિત કરે છે. તેની સામે મૌલાનાઓ યોગના વિરોધમાં શું બોલે છે? બસ ફતવો જારી કરી દે છે, ધમકી આપે છે કે જો અમારી વાત નહીં માનો તો હિંસક પરિણામ ભોગવવા તૈયાર રહેજો. બાબત, વિષય, ઘટના અલગ અલગ હોય છે પરંતુ પરિણામ તો એક જ હોય છેઃ ફતવો અને હિંસા. મુદ્દો સામાજિક હોય, પારિવારીક હોય કે રાજકીય. દરેક જગ્યાએ અંતિમ ઉપાય બળપ્રયોગ અને હિંસા.
આથી મૌલાનાઓએ વિચાર કરવો જોઇએ કે, શું ઇસ્લામ પાસે કોઈ ઉપયોગી વિચાર કે રચનાત્મક કાર્યક્રમ છે કે કેમ? શું તેમનાં તમામ પુસ્તક, ગ્રંથ, મદ્રેસા અને કાયદામાં વિવેક-વિચાર દ્વારા કોઇને સમજાવવાની સમર્થતા નથી? જો એ જ સ્થિતિ હોય તો વિચારવું જોઇએ કે આવો મતભેદ કેટલો સમય ચાલશે. બોંબ, પિસ્તોલ, તલવાર, છરી અને ધમકીના આધારે કોઈ વિચારધારા માનવજાતિમાં કાયમ માટે ટકી ન શકે. તેના સજ્જડ ઘેરામાંથી લોકોએ બહાર આવવું જ પડશે. આવું સમજનાર મુસ્લિમોની સંખ્યા દુનિયામાં વધી રહી છે. હિજરત અને દારુલ-અલ-હરબ વગેરે બાબતોનો તેમણે ત્યાગ કરી જ દીધો છે.
યોગ વિરોધી ફતવા દ્વારા મૌલાના હારેલી લડાઈ લડી રહ્યા છે. જે રીતે ચર્ચ ગેલિલિયો સામે લડી હતી. પૃથ્વી ગોળ છે અને તે સૂર્યની આસપાસ ફરે છે તેવું ગેલિલિયોયે કહ્યું ત્યારે ચર્ચને ગુસ્સો આવી ગયો હતો અને ગેલિલિયોને ચૂપ થઈ જવા ફરજ પાડી હતી. પરંતુ ક્યાં સુધી એવું ચાલ્યું? એવી જ ચર્ચ જેવી સ્થિતિ આજે અસંખ્ય મૌલાના, મુફ્તિ, આયાતોલ્લા, ઇમામો વગેરેની છે. તેમની જીદ અને નિરર્થકતાને વિચારશીલ લોકો સમજશે, પછી એ મુસ્લિમો હોય કે બિન-મુસ્લિમ.
(Translated from English into Gujarati by Alkesh Patel.)